શ્રી કૃષ્ણ ની મોક્ષ પૂરી દ્વારકા નગરી

 

યથા નામ ! તથા ગુણ ! ભૂમિ દૌવારીકા.

સૌરાષ્‍ટ્રની ફરતે પશ્ચિમથી દક્ષીણ અને પૂર્વમાં મહાસાગરના પાણીનો કિલ્‍લો રચાયો છે, ઉત્તરનો ખૂણો સૌરા્ષ્‍ટ્રનો ભૂમિ માર્ગ છે. ત્રણ બાજુ મહાસાગરના નિર્મળ નીર રાષ્‍ટ્રને આથડે છે. તેમાં થઇ પ્રવેશ કરવાનો દરિયાઈ કિલ્‍લાનો મુખ્‍ય દરવાન અને દરવાજા રૂપે ભૂમિ પ્રદેશનો આ ભાગ કુદરતી જ બન્‍યો છે, તેથી આ પ્રદેશને સંસ્‍કૃત ભાષામાં દૌવારીક કહેવાય છે. જેથી આ દરીયાઈ બારૂ દવારીકા કે દ્વારકા ભૌગોલિક મહત્‍વ ઉપરથી તે પ્રખ્‍યાત થયું છે. અહીં મહાભારતકાળનું પૌરાણિક પ્રથમ બંદર હતું. આ દ્વારકા એવું વ્‍યુહાત્‍મક સ્‍થળ છે કે અહીં વિવિધ શસ્‍ત્રોનું સંપૂર્ણ રક્ષણ લઇ શત્રુનો પરાભવ કરી શકાય. સમગ્ર દરીયાઈ પટ્ટીનું ચોકીયાત મથક થાય અને ગમે ત્‍યારે આ ભૂમિ પ્રદેશમાં થઈને મહાભારતમાં સરળ પ્રવેશ કરી શકાય. આવા સનાતન વ્‍યુહાત્‍મક ભૂસ્‍થળે શ્રીકૃષ્‍ણે પોતાની અભેદ્ય દ્વારકા નગરી બનાવી. 
ગોકુળમાં ગોપરાજા નંદને ઘેર શ્રીકૃષ્‍ણ ઉછરેલા, નંદકિશોરે મથુરામાં રાજા કંસનેને મારી રાજ્ય કબજે કર્યું. કંસનો સસરો મહાબળવાન રાજા જરાસંઘ મગધ દેશનો રાજા હતો. જમાઈને મારનાર કૃષ્‍ણને પકડવા અને વેર વસુલવા એક બે વાર નહી પણ સતરવાર મથુરા ઉપર ચડી આવ્‍યો. આથી યુદ્ધ વિશારદ કૃષ્‍ણ એક દિ‘ રણ છોડી ભાગ્‍યા તેથી રણછોડરાય કહેવાયા, અને અહીં સૌરાષ્‍ટ્રના આ સનાતન વ્‍યુહાત્‍મક સ્‍થળમાં પોતાની રાજધાની દ્વારકા બનાવી. ત્‍યાર પછી ભારતની રાજનિતિ અહીં ઘડાતી થઈ. 
કયાં મથુરામાં જન્‍મ ! અને ગોકુળમાં ઉછેર ! રણછોડ થઈ, સૌરાષ્‍ટ્રના આ દ્વારાવતીથી દ્વારકેશ બની અહીંથી સમગ્ર ભારતમાં શ્રીકૃષ્‍ણએ અજય આણ ફેલાવી. જેથી કૃષ્‍ણના આ યુગ કાળને દ્વાપર યુગ કહેવાયો છે. દ્વાપર યુગના પ્રવર્તક શ્રી કૃષ્‍ણ ગોપ રાજા હતા. યાદવો ગોપાલક હતા જેથી આજે પણ સૌરાષ્‍ટ્રમાં રૂઢીગત ખેતી અને ગોપ જીવનના સંસ્‍કાર લોકોમાં વણાઈ ગયા છે. 

ભગવાન રણછોડરાયની રાજધાની દ્વારકા રેલ્‍વે રસ્‍તે રાજકોટ ઓખા લાઈન ઉપર આવે છે. દ્વારકા અને હરદ્વાર ઉત્તરાંચલ રેલ સેવાથી સીધા જોડાયા છે. સોમનાથ થી દ્વારકાની સીધી બસ સેવા મળે છે. જૂનાગઢ થી પોરબંદર, હર્ષદ થઈ દ્વારકા ૨૩૦ કિલોમીટર દૂર છે. જામનગરથી ૧૪૦ કિલોમીટર દુર છે. તથા દરેક મુખ્‍ય શહેરથી એસ. ટી. બસની સેવા મળે છે. 

દ્વારકા અનેક તીર્થ ધામોનું એક છે. ભારતના ચારધામમાનું એક ધામ છે. અને ભારતની સાત મોક્ષદાયક પુરીમાં એક દ્વારકાપુરી પુજાય છે. તેમાં અનેક નાના – મોટા મંદિરો આવેલા છે. પણ તે સર્વમાં ભગવાન દ્વારકાનાથનું મંદિર ભાવિકજનને પ્રથમ નજરે જ મનમોહિત કરે છે.દ્વારકાનું આ પુરાણ પ્રસિદ્ધ મંદિર ઘણું જૂનું છે. તેમ તેમાં રહેલાં લેખો ઉપરથી જણાય છે. ઈતિહાસવેતાઓ માને છે કે તે આશરે ૨૩૦૦ વર્ષ પહેલા સમ્રાટ ચન્‍દ્રગુપ્‍ત મૌર્યના સમયમાં (ઈસુ પૂર્વ ૩૨૪) આ ભવ્‍ય મંદિર તૈયાર થયું છે. 
પુરાણકથા પ્રમાણે આ ભવ્‍ય મંદિર શ્રીકુષ્‍ણના પૌત્ર વજ્રનામે દેવોના શિલ્‍પી વિશ્વકર્મા પાસે એકજ રાત્રીમાં તૈયાર કરાવ્‍યું છે, અને તે ત્રૈલોક્યસુંદર મંદિર, જગત મંદિર કે મોક્ષ મંદિર એવા નામોથી પ્રસિદ્ધ છે. તે સમુદ્રની સપાટીથી ફકત બસો ફુટની ઉંચાઈએ આવેલું છે. સમુદ્ર અને ગોમતીના સંગમ કાંઠા ઉપર જ આવેલ આ ભવ્‍ય મંદિરને મુખ્‍ય બે દરવાજા છે. મુખ્‍ય મંદિરમાં જવા માટે ૫૬ પગથીયાની સીડી ચડતા મુખ્‍ય સ્‍વર્ગદ્વાર આવે છે. સ્‍વર્ગદ્વારમાંથી પ્રવેશ કરતા જ આ મંદિર પાયાથી ટોચ સુધી આપની નજરે પડે છે. આ ભવ્‍ય મંદિર બે શિખરો વડે તૈયાર થયેલું છે. મોટું શિખર ૧૫૦ ફુંટ ઉંચું છે, નાનું શિખર લાડુદેરા આશરે ૭૦ થી ૮૦ ફુટ ઉંચુ છે. મોટું શિખર તે નીજ મંદિર છે. જેમાં ભગવાનની શ્‍યામ ચત્રભુજ પ્રતિમા બિરાજે છે. નાના શિખર ઉપર લાડવાના આકારના પથ્‍થરો કોતરેલા છે. આજ મંદિરનો ગુઢ મંડપ છે જે ૭૨ સ્‍તંભ ઉપર આધારીત છે. મંદિરમાં સાત મજલા છે. પહેલા માળે કુળદેવી અંબાજીનું સ્‍થાન આવેલું છે. લાડવા દેરા ઉપર એક તરફ પથ્‍થરની દિવાદાની છે, મંદિર ઉપર જ્યારે નવી ધજા ચડાવાય છે ત્‍યારે તેમાં દિવો કરવામાં આવે છે. અહીંથી મોટા શિખરની કલા કારીગરી સારી રીતે જોઈ શકાય છે, દેરાના શિખર ઉપર ચારે તરફ શક્તિ માતાના મોહરા છે અને ટોચ ઉપર સુવર્ણ કળશ ચળકી રહ્યો છે. અનેક રંગની ધજાનું માપ બાવન ગજનું છે અને તેમાં સૂર્ય અને ચંદ્રના પ્રતિકો દેખાય છે. 
જેના દર્શન કરતા માનવી પોતાના જીવનના દુ:ખ ભુલી જાય છે. એવા શ્રી પરમ કૃપાળુ પરમાત્‍મા દ્વારકાધીશ ભગવાન આ સુંદર મંદિરમાં બિરાજમાન છે. મંદિરના એક વિશાળ સભા મંડપમાંથી યાત્રિકો ભગવાનનાં દર્શન કરી ભાવવિભોર બને છે. ભગવાનના નિજ મંદિર સામે દેવકી માતાનું મંદિર છે. તથા તેની પાછળના ભાગમાં રાણીવાસ આવેલ છે, એક તરફ પુત્ર પ્રદ્યુમન બીજી તરફ ત્રિકમજીના મંદિર છે. રણછોડરાયજીનો ભંડાર શંકરાચાર્યના શારદામઠને તાબે છે, અહીં ભોજન સામગ્રી તૈયાર કરી દ્વારકાધીશને ધરવામાં આવે છે. મંદિરમાં ભગવાનની શ્‍યામ ચત્રભુજ પ્રતિમાના દર્શન કરતાં ભાવિક ભક્તો રણછોડરાયની જય પોકારે છે. મોક્ષદ્વારમાંથી નીકળતા મંદિરને ફરતી બજાર છે. ઘણા યાત્રાળુઓ મંદિરની પરિક્રમા કરે છે. દુર દરિયામાં આવેલી ૧૫૦ ફુટથી વધુ ઉંચી દીવાદાંડી તેની પ્રકાશ ફેંકવાની ટેકનીકલ રચનાથી એશીયામાં વખણાય છે. 
ભાવિકજનો અહીંથી ૩૨ કિ. મી. દુર બેટ દ્વારકા જાય છે. કચ્‍છના અખાતમાં એક ટાપુ આવેલો છે. તે બેટ દ્વારકા કહેવાય છે. અહીં મહેલ જેવી બાંધણીના મંદિરો છે, જેમાં કૃષ્‍ણ ભગવાનના મહેલના ઉપરના માળૈ શૈયા મનોહર ચિત્રો છે. બેટ દ્વારકામાં ભગવાન કૃષ્‍ણે શંખાસુર નામના અસુરને મારી ગુરુ સાંદીપનીનો પુત્ર છોડાવીને ગુરૂ પત્‍નીને પાછો સોંપ્‍યો હતો તે શંખ તળાવ કહેવાય છે. બીજા રણછોડ તળાવ, રત્‍ન તળાવ, કચોરી તળાવ વિગેરે જોવા દર્શન કરવાના અનેક સ્‍થાનો છે. બેટ પાસેનું ગોપી તળાવ ગોપીઓ સાથે રાસલીલાનું સ્‍થાન કહેવાય છે, ગોપીનાથનું મંદિર છે. અહીંની સફેદ માટીને ભાવિકો ગોપીચંદન કહે છે. અહીંથી આશરે ૫ કિ. મી. દુર બાર જ્યોતિર્લીંગમાનું એક નાગેશ્વર મહાદેવનું ભવ્‍ય મંદિર આવેલ છે. મંદિરની બાજુમાં ભગવાન શંકરની ૮૫ ફુટ ઉંચી પ્રતિમા છે. દ્વારકાપુરીથી નાગેશ્વર ૧૬ કિ. મી. દુર છે. –

અસ્‍તુ 
જેમનું કિર્તન, સ્‍મરણ, દર્શન, વંદન, શ્રવણ તથા પૂજન લોકોના પાપોને તત્‍કાલ દુર કરે છે તે મંગલ યશવાળા શ્રી કૃષ્‍ણને મારા વારંવાર પ્રણામ છે. 

દ્વારકાધીશ કી જય
જય રણછોડરઈ

2 ટિપ્પણીઓ: