૧. દક્ષીણ ગુજરાતની નદીઓ (Rivers and Lake of Gujarat):
(ક) નર્મદા:
મધ્યપ્રદેશના મૈકલ પર્વતમાળાના અમરકંટક (૧૦૬૬ મીટર) માંથી નીકળી ભરૂચથી ૨૪ કિમી દૂર ખંભાતના અખાતને મળે છે. તેની કુલ લંબાઈ ૧૩૧૨ કિમી છે. ગુજરાતમાં તેની લંબાઈ ૧૬૦ કિમી છે. તેનો કુલ સ્ત્રાવવિસ્તાર ૯૮,૭૯૬ ચોરસ કિમી છે. નર્મદા હાંફેશ્વર પાસે ગુજરાતના મેદાન માં પ્રવેશે છે. ત્યાં તેને ઓરસંગ અને કરજણ નદી મળે છે. શુકલતીર્થ અને ભરૂચની વચ્ચે તેને અમરાવતી અને ભૂખી નદી મળે છે. નર્મદા ના વહનમાર્ગમાં શુકલતીર્થ પાસે કબીરવડ અને મુખ પાસે અલીયા બેટ મહત્વના બેટ છે. નર્મદાના કિનારે ચાંદોદ, કરનાળી, માલસર, નારેશ્વર, અને શુકલતીર્થ પ્રસિદ્ધ તીર્થસ્થળો છે. દરિયાની ભરતીની અસર નદીમાં ૪૦ કિમી સુધી રહે છે અને ૧૪૦ કિમી સુધી વહાણવટા માટે ઉપયોગી છે. આ નદી પર નવાગામ પાસે ‘સરદાર સરોવર યોજના’ સાકાર થઇ છે.
(ખ) તાપી:
મધ્યપ્રદેશના મહાદેવની ટેકરીઓમાં બેતુબ પાસેથી નીકળી સુરત પાસે ખંભાતના અખાતમાં અરબ સાગરને મળે છે. તેની કુલ લંબાઈ ૭૨૪ કિમી છે, ગુજરાતમાં તેની કુલ લંબાઈ ૧૪૪ કિમી છે. તાપી ‘હરણફાળ’ નામના સ્થળેથી ગુજરાતમાં પ્રવેશે છે. તાપી નદી પર ‘ઉકાઈ’ અને ‘કાકરાપાર’ યોજના છે.દરિયાની ભરતીની અસર નદીમાં ૪૫ કિમી સુધી રહે છે અને ૧૧૦ કિમી સુધી વહાણવટા માટે ઉપયોગી છે.
(ગ) પૂર્ણા:
પીંપલનેરના ડુંગરમાંથી નીકળી અરબ સાગરને મળે છે. તેની લંબાઈ ૮૦ કિમી છે. નવસારી પાસે તે બે ફાંટામાં વહેંચાઇ જાય છે.
(ઘ) અંબિકા:
વાંસદાની ટેકરીઓમાંથી નીકળી પૂર્ણાથી ૨૪ કિમી દૂર અરબ સાગરને મળે છે, તેની લંબાઈ ૬૪ કિમી છે.
(ચ) ઓરંગા:
ધરમપુરના ડુંગરમાંથી નીકળી અંબિકાથી ૧૩ કિમી દૂર અરબ સાગરને મળે છે.વલસાડ શહેર ઓરંગા નદી પર આવેલું છે.
(છ) પાર:
ઓરંગાથી દક્ષીણે ૧૦ કિમી દૂર અરબ સાગરને મળે છે, તેની કુલ લંબાઈ ૮૦ કિમી છે.
(જ) કોલક:
દમણને પારડીથી અલગ પાડે છે. દરિયાની ભરતીની અસર ૧૩ કિમી સુધી રહે છે.નદીના પટમાંથી કાલુ માછલી મળે છે.
(ઝ) દમણગંગા:
ગુજરાતની દક્ષીણ સરહદે આવેલી છે.ચોમાસામાં એમાં ઘોડાપુર આવે છે. દરિયાની ભરતીની અસર ૧૩ કિમી સુધી રહે છે.
૨. મધ્ય ગુજરાતની નદીઓ (Rivers and Lake of Gujarat):
(ક) સાબરમતી:
ઉદયપુર પાસેના ઢેબર સરોવર નજીકથી નીકળી વૌઠાથી આગળ ખંભાતના અખાતને મળે છે. તે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા અને આણંદ જીલ્લામાં થઈને વહે છે. તેની લંબાઈ ૩૨૧ કિમી છે. તેને ખારી, વાત્રક, માઝમ, ભોગાવો, મેશ્વો, સુકભાદર, શેઢી, હાથમતી અને અંઘલી નદીઓ મળે છે. અમદાવાદ જીલ્લાના વૌઠા પાસે સાત નદીઓનો સંગમ થતો હોવાનું મનાય છે.
(ખ) મહી:
મધ્ય પ્રદેશના અંઝેરા પાસેથી નીકળી રાજસ્થાનના વાંસવાડા જીલ્લામાં થઇ ગુજરાતમાં પ્રવેશે છે અને ખંભાતના અખાતને મળે છે. તેની કુલ લંબાઈ ૫૦૦ કિમી છે. ગુજરાતમાં તેની લંબાઈ ૧૮૦ કિમી છે. મહી નદીને અનાસ, પાનમ, મીસરી અને ગળતી નદીઓ મળે છે. દરિયાની ભારતીના કારણે ૭૦ કિમીના પ્રવાહમાં નદીનો પટ વિશાળ બન્યો છે.વહેરા ખાડી પાસે નદીપટ ૧ કિમી પહોળો છે, આથી તે ‘મહીસાગર’ તરીકે ઓળખાય છે. આ નદી પર ‘વણાકબોરી’ અને ‘કડાણા’ યોજના છે.
૩. ઉતર ગુજરાતની નદીઓ (Rivers and Lake of Gujarat):
(ક) બનાસ:
રાજસ્થાનના શિરોહી જીલ્લાના સીરણવાના પહાડમાંથી નીકળી બનાસકાંઠા, પાટણ અને કચ્છ જીલ્લામાંથી વહી કચ્છના રણમાં સમાઈ જાય છે.
(ખ) સરસ્વતી:
દાંતા તાલુકાના ચોરીના ડુંગરમાંથી નીકળી સિદ્ધપુર, પાટણ અને કચ્છ જીલ્લામાંથી વહી કચ્છના રણ માં સમાઈ જાય છે.
(ગ) રૂપેણ:
બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને કચ્છ જીલ્લામાંથી વહી કચ્છના રણમાં સમાઈ જાય છે.
૪. સૌરાષ્ટ્રની નદીઓ (Rivers and Lake of Gujarat):
સૌરાષ્ટ્રની નદીઓ મધ્યના ડુંગરાળ પ્રદેશમાંથી નીકળી ચારેય બાજુ ત્રીજ્યકારે વહે છે.
(ક) ભાદર:
આ નદી જસદણથી ઉતરે આવેલા આણંદપરના ઉચ્ચપ્રદેશમાંથી નીકળી નવીબંદર પાસે અરબસાગરને મળે છે. તેની કુલ લંબાઈ ૧૯૪ કિમી છે. કરનળ, વાંસાવડી, ગોંડળી, ઉતાવળી, ફોફળ, મોજવેણુ, મીણસર અને ઓઝત નદીઓ તેને મળે છે. આ નદી પર જસદણ, આટકોટ, નવાગઢ, ધોરાજી, ઉપલેટા, ગણોદ અને નવીબંદર શહેરો આવેલા છે.જેતપુર નજીક લીલાખા અને નવાગામ પાસે ભાદર બંધ બંધાયો છે.
(ખ) શેત્રુંજી:
ગીરની ધુંડી ટેકરીઓમાંથી નીકળી સુલતાનપુર પાસે ખંભાતના અખાતને મળે છે. તેની લંબાઈ ૧૭૩ કિમી છે. તેને ગાગડીયો નદી મળે છે. ધારી નજીક ખોડીયાર માતાના સ્થાનક પાસે અને પાલીતાણા નજીક રાજસ્થળી પાસે બંધો બંધાયા છે.
(ગ) વઢવાણ ભોગાવો:
આ નદી ચોટીલા તાલુકાના નવાગામ પાસેના ડુંગરમાંથી નીકળી ચોટીલા, સાયલા, મુળી અને વઢવાણ પાસેથી પસાર થઇ નળ સરોવરને મળે છે. તેની લંબાઈ ૧૦૧ કિમી છે. આ નદી પર ગૌતમગઢ પાસે ‘નાયકા’ અને સુરેન્દ્રનગર પાસે ‘ધોળીધજા’ નામના બંધ છે.
(ઘ) લીંબડી ભોગાવો:
ચોટીલા તાલુકાના ભીમોરાના ડુંગરમાંથી આ નદી નીકળે છે. તેની લંબાઈ ૧૧૩ કિમી છે. સાયલા તાલુકાના થોરીયાળી ગામ પાસે આ નદી પર બંધ બંધાયો છે.
(ચ) મચ્છુ:
આ નદી ચોટીલા તાલુકાના આણંદપુર-ભાડલા ગામ પાસેથી નીકળી વાંકાનેર અને મોરબી શહેર પાસેથી પસાર થઇ માળિયા (મિયાણા) પાસે કચ્છના નાના રણમાં સમાઈ જાય છે. તેની લંબાઈ ૧૧૩ કિમી છે.
(છ) સૂકભાદર:
ચોટીલા પાસેના ડુંગરમાંથી નીકળી ધંધુકા પાસે થઇ ધોલેરા નજીક ખંભાતના અખાતને મળે છે.
(જ) ઘેલો:
આ નદી ફૂલઝર નજીકના ઉચ્ચપ્રદેશમાંથી નીકળી ઘેલા સોમનાથ, ગઢડા, અડતાળા, નવાગામ અને વલભીપુર થઇ ખંભાતના અખાતને મળે છે. તેની લંબાઈ ૯૦ કિમી છે.
(ઝ) કાળુભાર:
સમઢિયાળા નજીક રાયપુરના ડુંગરમાંથી નીકળી ખંભાતના અખાતમાં ભાવનગરની ખાડીને મળે છે. તેની લંબાઈ ૯૫ કિમી છે.
આ ઉપરાંત રંધોળી, માલણ, ઘાતરવડી, રાવળ. મછુન્દ્રી, શીંગવડો, હિરણ, સની, સાસોઇ, નાગમતી, ઊંડ, બ્રમ્હાણી અને ફાલ્કુ નાની નદીઓ છે.
૫. કચ્છની નદીઓ (Rivers and Lake of Gujarat):
મિતિ, નૈયરા, ખારી, ભૂખી, કનકાવતી અને રુકમાવતી મુખ્ય નદીઓ છે. આ નદીઓ દક્ષીણ તરફ વહી કચ્છના અખાતને મળે છે. ચોમાસા સિવાય આ નદીઓ સુકી રહે છે.
નળ સરોવર:
નળ સરોવર કચ્છના નાના રણ અને ખંભાતના અખાતને જોડતી નીચી ભૂમિના પ્રદેશમાં આવેલું છે. નળ સરોવરની લંબાઈ ૩૨ કિમી અને પહોળાઈ ૬.૫ કિમી છે. તેનું ક્ષેત્રફળ ૧૨૦.૮૨ ચોરસ કિમી છે. તેની ઊંડાઈ ૫ થી 8 મીટર છે. તેનું પાણી ચોમાસામાં મીઠું હોય છે, પરંતુ તળિયાના ક્ષારને લીધે તરત જ ખરું થઇ જાય છે. નળ સરોવર માં નાના નાના ટાપુઓ આવેલા છે. તેમાં પાનવડ સૌથી મોટો ટાપુ છે. અહી શિયાળામાં દુનિયાના દૂર દૂરના પ્રદેશોમાંથી જાતજાતના અનેક પક્ષીઓ આવે છે. આ પક્ષીઓને જોવા તથા સહેલગાહ માણવા પ્રવાસીઓ અહી આવે છે. નળ સરોવરના વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો