અરીસો




★ અરીસો આપણા રોજીંદા જીવન સાથે વણાયેલું સાધન છે. આપણે દરરોજ જાણ્યેઅજાણ્યે અરીસાનો ઉપયોગ કરીએ છીએ. આ અરીસાનો ઇતિહાસ અને ઉપયોગ પણ રોચક છે.

★ આપણા ચહેરાને-જાતને જોવા માટેનું પ્રથમ સાધન અરીસો છે. આદિકાળમાં અરીસા નહોતા ત્યારે જળાશય પાણી ભરેલા પાત્રમાં માણસ પોતાનું પ્રતિબિંબ જોઇ આશ્ચર્ય પામતો, અરીસા નહોતા ત્યારે ધાતુની તેજસ્વી સપાટીનો અરીસાની જેમ ઉપયોગ થતો.

★ અરીસા અને પાણીમાં દેખાતા પ્રતિબિંબનો સિદ્ધાંત એક સરખો જ છે. દરેક વસ્તુ પ્રકાશનાં કિરણોનું શોષણ કરે છે પરંતુ લીસી અને ચળકતી સપાટી પરથી પ્રકાશનાં કિરણો પાછા ફરે છે અને તેમાં પ્રતિબિંબ દેખાય છે.

★ કાચના અરીસા બનાવવાની શોધ ૧૬મી સદીમાં થઇ હતી.

★ પારદર્શક કાચની પાછળ અપારદર્શક તેજસ્વી ધાતુનું આવરણ ચઢાવી અરીસા બનાવાય છે. ચાંદી અને સોનાનો ઢોળ ચઢાવીને પણ કીમતી અરીસા બનતા. હવે જો કે પારાની રાખ ચઢાવીને અરીસા બને છે.

★ રોજીંદા જીવનમાં ચહેરો જોવા, વાળ ઓળવા, મેકઅપ કરવા, વાહનોમાં રિઅરવ્યૂ મિરર અને સુશોભનોમાં અરીસો વપરાય છે. પોષાક પર અરીસાના ગોળાકાર આભલા ટાંકવાની કળા પણ પરંપરાગત છે. આમ અરીસો સામાન્ય વસ્તુ હોવા છતાંય તેના ઉપયોગ અસામાન્ય છે.

★ વિજ્ઞાનજગતમાં માઇક્રોસ્કોપ અને ટેલિસ્કોપમાં અરીસાનો ઉપયોગ થાય છે.

★ દરિયાના તળિયે ચાલતી સબમરિનમાં સપાટીનાં દ્રશ્યો જોવા માટે વપરાતા પેરિસ્કોપમાં અરીસાની જ કમાલ છે.

★ એકથી વધુ અરીસાની ગોઠવણી કરીને જાત જાતના દ્રષ્ટિભ્રમ ઊભા કરી શકાય. ઘણા જાદુગરો મેજિકશોમાં અરીસાનો ઉપયોગ કરે છે. આધુનિક ઓપ્ટિકલ કેબલની અંદરની સપાટી પર અરીસાનું જ કામ કરીને ડિજીટલ પ્રસારણ કરે છે.

★ અરીસા સપાટ જ હોય તેવું નથી વચ્ચેથી ઉપસેલા બહિર્ગોળ અરીસામાં દૂરના દ્રશ્યો નાના થઇને દેખાય છે. તે જ રીતે અંતર્ગોળ અરિસામાં પ્રતિબિંબ મોટું થઇને દેખાય છે. આમ અરીસો મહત્ત્વનું સાધન બન્યો છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો