રંગોની બહુરંગી દુનિયા

» માનવસંસ્કૃતિના એક તબક્કો એવો પણ જોયો હતો જ્યારે કુદરતી પદાર્થમાંથી બનાવેલા જાંબલી, કેસરી અને ઘાટા બ્લ્યુના ટુકડાઓનું મૂલ્ય એટલા જ કદના સોના કરતાં પણ વધારે અંકાતું.

» કહેવાય છે કે, અનેક ભવ્ય પ્રાચીન શહેરો કવચધારી મૃદુ પ્રાણીઓમાંથી બનતા જાંબલી રંગના વેચાણમાંથી મળેલા મબલખ નાણાંના જોરે ઉભા કરવામાં આવ્યા હતાં. છેવટે ૧૯મી સદીના ઇંગ્લેન્ડમાં રસાયણવિદ્યાના ૧૯ વર્ષના એક વિદ્યાર્થીએ પહેલી વાર સિન્થેટીક ડાય બનાવી અને એકાએક દુનિયા વધુ રંગીન બની ગઇ.

» ૧૯૦૭માં ફ્રાંસમાં લ્યુમિયર બંધુઓએ ફિલ્મની પ્લેટ પર બટાટાની રંગેલી કાંજીના કણ લગાડયા અને એ સાથે કલર ફોટોગ્રાફીની શરૃઆત થઇ.

» ૧૯૨૮માં લંડનમાં એકદમ પ્રાથમિક કક્ષાનું કલર ટેલિવિઝન લોકોને દેખાડવામાં આવ્યું ત્યારે આંખ સામે ટીવી ચાલુ હોવા છતાં લોકો માની જ નહોતા શકતા કે એક ડબ્બામાંથી સતત આટલા બધા રંગો નીકળી જ કઇ રીતે શકે! રંગ બાબતે પૂર્વના દેશો પાસે પશ્ચિમ કરતા વધુ ડહાપણ હતું. હજાર વર્ષ પહેલાં ભારતીય ઋષિઓ તેમના શિષ્યોને શીખવતા કે સૂર્યપ્રકાશમમાં બધા રંગોનું મિશ્રણ છે. જ્યારે પશ્ચિમમાં તો એરિસ્ટોટલની ટોટલી ખોટ થિયરી (બધા જ રંગો કાળા અને સફેદ એ રંગોના મિશ્રણમાંથી જ સર્જાય છે)ને છેક સત્તરમી સદી સુધી લોકો સાચી માનતા રહેલા. છેવટે ૧૬૭૨માં સર આઇઝેક ન્યુટને સાબિત કર્યું કે સફેદ રંગ સાત રંગોનો બનેલો છે.

» રંગ બાબતે પશ્ચિમનું પછાતપણું સિદ્ધ કરતી બીજી એક બાબત એ છે કે અંગ્રેજી ભાષામાં નારંગી રંગ માટે કોઇ શબ્દ જ નહોતો. પછી જ્યારે નારંગી એશિયામાંથી પશ્ચિમના દેશમાં પહોંચી ત્યારે ભારતીય શબ્દ નારંગી પરથી અંગ્રેજીમાં ઓરેન્જ શબ્દ રચાયો અને તેના રંગને પણ ઓરેન્જ નામ અપાયું.

» માનવમન પર રંગોથી થતી અસર વિશે દુનિયાભરમાં સંશોધનો ચાલી રહ્યાં છે. એ વાત સાબિત થઇ ચૂકી છે કે એક ચોક્કસ પ્રકારના ઝાંખા ગુલાબી રંગ વડે જેલની દિવાલો રંગવાથી ભલભલા ખતરનાક કેદીઓનાં મગજ પણ શાંત રહે છે. અલબત્ત, એ રંગ ક્રોધની સાથે સાથે ભૂખને પણ મારી નાખે છે, છતાં જેલરોને કેદીઓના જઠરાગ્નિ કરતાં ક્રોધાગ્નિ શમાવવામાં વધુ રસ હોવાને કારણે હવે અનેક જેલોની દિવાલો એ રંગથી રંગવામાં આવે છે. જે ઘરોમાં દિવાલોનો રંગ નારંગી હોય છે ત્યાં ઝઘડા વધુ થતા હોવાનું જોવા મળ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો