વૃક્ષ પર થતું સૌથી મોટું ફળ : ફણસ


ફળોની દુકાનમાં ક્યારેક ફણસ કે જેકફ્રુટ જોવા મળે છે. ચારે તરફ લીલા કાંટાવાળી છાલ ધરાવતું આ લંબગોળ ફળ વૃક્ષ પર થતું સૌથી મોટું ફળ છે. તેનો સ્વાદ અને ગંધ થોડી અણગમતા હોવાથી બહુ લોકપ્રિય નથી પરંતુ ભારતનું આ ફળ અજાયબ છે.

ભારતમાં ૩૦૦૦ વર્ષ પહેલાં ફણસની ખેતી થતી હોવાના પુરાતત્ત્વ પુરાવા મળ્યા છે. આજે પણ દક્ષિણ ભારતના કેરાળા, તમિલનાડુ, ઓડિશા, કર્ણાટકના દરિયાકાંઠે ફણસની ખેતી થાય છે અને નિકાસ થાય છે.

ફણસ ત્રણ ફૂટ લાંબા અને લગભગ ૨૦ ઇંચ વ્યાસ ધરાવતા ફળ છે. એક ફળનું વજન ૩૫ કિલોગ્રામ સુધી હોય છે. આવા કદાવર ફળનું વજન ડાળીઓ સહન કરી શકે નહી એટલે ફણસ વૃક્ષના થડ ઉપર કે જાડી ડાળી ઉપર ઊગે છે. એક વૃક્ષ વર્ષમાં ૨૦૦ જેટલા ફળ આપે છે.

ફણસની અંદર પીળા રંગના માવા વચ્ચે બીજ ધરાવતી સંખ્યાબંધ પેશીઓ હોય છે. પીળા રંગના માવાની સુગંધ વિશિષ્ટ હોય છે. તેનો માવો ગળ્યો હોય છે. સામાન્ય રીતે અનાનસ, કેરી અને કેળાનો મિશ્રિત સ્વાદ ફણસમાંથી મળે છે. ફણસ ત્રણ જાતના જોવા મળે છે.

દક્ષિણ એશિયાના કેટલાક દેશોમાં કાચા ફણસના અથાણા બને છે તેના બીજ સૂકવીને સાચવી રખાય છે અને તેમાંથી ઘણી વાનગી બને છે. પાકા ફણસમાંથી આઇસક્રીમ સહિતની ઘણી વાનગીઓ બને છે.

ફણસના વૃક્ષનું લાકડું પણ ઉપયોગી છે. તેમાંથી વાંજિત્રો અને લાકડાના બેરલ બને છે. તેનાં પાંદડાં અને છાલમાંથી કેસરી રંગ નીકળે છે. બૌદ્ધ સાધુઓ પુરાતન કાળમાં આ રંગથી કપડા રંગતા હતા. શ્રીલંકા, વિયેતનામ સહિતના દેશોમાં ફણસમાંથી લોટ, નુડલ્સ, પાપડ જેવી વાનગીઓ બનાવવાના ઉદ્યોગ વિકસ્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો