આભાર વિશાલ ગૌસ્વામી
http://www.vishalvigyan.in/?m=1
આલ્બર્ટ હોફમેન
નશાકારક દ્રવ્યોનું વ્યસન સમાજ માટે દૂષણ રૃપ છે. ભારત સહિત ઘણા દેશોમાં આવા દ્રવ્યો પર પ્રતિબંધ છે. આવા નશીલા દ્રવ્યોની શોધ પણ કોઇને કોઈ વિજ્ઞાનીઓએ કરી હતી.
જો કે તે વિજ્ઞાનીઓનો આ દવાઓ શોધવાનો હેતુ સારો હતો. એલ.એસ.ડી. એટલે કે લાયસર્જિક એસિડ ડાયથાયલામાઇડ જાણીતું નશાકારક દ્રવ્ય છે.
તેની શોધ આલ્બર્ટ હોફમેન નામના વિજ્ઞાનીએ કરી હતી. એટલું જ નહીં તેણે પોતે જોખમ ઉઠાવી તે ચાખીને તે નશાકારક હોવાનું જાહેર કર્યું હતું. તેણે આ દ્રવ્ય કેટલાંક માનસિક રોગમાં ઉપયોગી હોવાનું પણ જણાવ્યું હતું. સમાજના તેના દુરૃપયોગને કારણે તે દુ:ખી પણ થયેલો. આ ઉપરાંત હોફમેને ઘણા વૈજ્ઞાનિક સંશોધનો લખેલા.
હોફમેનનો જન્મ સ્વિટ્ઝર્લેન્ડના બેડેન ખાતે ઈ.સ. 1906ના જાન્યુઆરીની 11 તારીખે થયો હતો. તેના પિતા એક કારખાનામાં કારીગર હતા. અને ગરીબ પરિવાર હતો. હોફમેનને બાળપણથી જ પ્રકૃતિમાં રસ હતો. તે મોટે ભાગે વનવગડામાં ફર્યા કરતો અને જાતજાતની વનસ્પતિનો અભ્યાસ કરવા લાગ્યો. તે ઝૂરિચ યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રીનો અભ્યાસ કરી પીએચડી થયો હતો.
અભ્યાસ પૂર્ણ કરીને તે સેન્ડોઝ લેબોરેટરીમાં જોડાયો. ત્યાં તેણે વનસ્પતિ આધારિત અનેક દવાઓ બનાવી. ઇ.સ. 1938માં શ્વસનતંત્રના રોગોની સારવાર માટે તેણે પ્રથમવાર કૃત્રિમ એલએસડી બનાવ્યું. તેણે તે ચાખી જોયું અને તે તીવ્ર નશાકારક હોવાનું જણાયું. તેણે પાંચ વર્ષ પોતાની શોધ ગુપ્ત રાખી.
ઇ.સ. 1943માં ફરી તેણે એલએસડીનો ડોઝ લઈને સાઇકલ ચલાવી ઘરે ગયો. તેણે મશરૃમ વિગેરે વિવિધ વનસ્પતિમાંથી અનેક નવાં દ્રવ્યો બનાવ્યા. તે સેન્ડોઝ લેબોરેટરીનો વડો બન્યો હતો. તે નોબેલ પ્રાઇઝ કમિટિનો સભ્ય હતો. તેના વિજ્ઞાનક્ષેત્રે યોગદાન બદલ તેને અનેક સન્માનો મળેલાં. ઇ.સ. 2008ના એપ્રિલની 29 તારીખે 102 વર્ષની ઉંમરે તેનું અવસાન થયું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો