સુબ્રમણ્યમ ચંન્દ્રશેખર

 આભાર વિશાલ ગૌસ્વામી 

 http://www.vishalvigyan.in/?m=1


સુબ્રમણ્યમ ચંન્દ્રશેખર

બ્રહ્માંડના કેટલાક તારા પોતાના જ ગુરુત્વાકર્ષણને કારણે સુપરનોવામાં રૃપાંતર પામી ફાટી પડે છે અને બ્લેકહોલ સર્જાય છે. આ તારાઓ સૂર્ય કરતાં ૧.૪ ગણા કદના થાય ત્યાં સુધી વ્હાઇટ ડવાર્ફ તરીકે સ્થિર થાય છે. તેનું કદ આ મર્યાદા કરતા વધે તો જ તે સુપરનોવા બને આ મર્યાદાને ચંદ્રશેખર લિમિટ કહે છે. આ શોધ મૂળ ભારતીય વિજ્ઞાાની સુબ્રમણ્યમ ચંદ્રશેખરે કરી હતી. તેમને આ શોધ બદલ વિલિયમ ફોલટની ભાગીદારીમાં ૧૯૮૩નું ફિઝિક્સનું નોબેલ ઇનામ મળ્યું હતું. તેમની આ શોધને કારણે બ્લેકહોલ અંગેની શોધ વધુ ચોક્સાઇપૂર્વકની બની હતી.
ચંદ્રશેખરનો જન્મ હાલના પાકિસ્તાનના લાહોરમાં ઇ.સ.૧૯૧૦ના ઓક્ટોબરની ૧૯ તારીખે થયો હતો. તેમના પિતા રેલવેમાં ડેપ્યુટી ઓડિટર જનરલ હતા. ભારતના સુપ્રસિધ્ધ વિજ્ઞાાની સી.વી.રામન તેમના કાકા હતા.
ચંદ્રશેખરે પ્રાથમિક અભ્યાસ ઘરમાં જ કરેલો અને ત્યારબાદ મદ્રાસની હિન્દુ હાઇસ્કૂલમાં માધ્યમિક અભ્યાસ કરી ૧૯૨૫માં પ્રેસિડેન્સી કોલેજમાં ઉચ્ચ અભ્યાસ કરેલો. માત્ર ૧૯ વર્ષની ઉંમરે બી.એસસીની ડિગ્રી મેળવી. ભારત સરકારે તેમને કેમ્બ્રીજની યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. બ્રિટનના પ્રવાસ દરમિયાન તેમણે વ્હાઇટ ડવાર્ફ અંગેના સંશોધનો કર્યા. કેમ્બ્રીજમાં પ્રથમ વર્ષમાં તેમણે વ્હાઇટ ડવાર્ફની મર્યાદાની શોધ કરી હતી તે સમયે વિજ્ઞાાનીઓએ તેની નોંધ લીધી નહોતી. જો કે ઘણા વર્ષો બાદ બ્લેક હોલ અંગેના સંશોધનો થતા તેમની થિયરી સાચી સાબિત થઈ. ઇ.સ.૧૯૩૭માં તેઓ શિકાગો યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે જોડાયા અને જીવનભર તેની સાથે સંકળાયેલા રહ્યા હતા.
અવકાશ અને બ્રહ્માંડનો ઊંડો અભ્યાસ કરીને તેમણે તે ક્ષેત્રમાં ઘણું યોગદાન આપ્યું હતું. ૧૯૫૭માં તેમણે અમેરિકાનું નાગરિકત્વ સ્વીકાર્યું અને કાયમ અમેરિકામાં રહ્યા. નાસાએ તેની ચાર વેધશાળાઓને ચંદ્ર ઓબ્ઝર્વેટરી નામ આપીને તેમનું સન્માન કર્યું છે. ઇ.સ.૧૯૯૫ના ઓગસ્ટની ૨૧ તારીખે શિકાગોમાં તેમનું અવસાન થયું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો