આભાર વિશાલ ગૌસ્વામી
http://www.vishalvigyan.in/?m=1
કૃત્રિમ રંગોના શોધક - વિલિયમ પર્કીન
- કંકુ, ગુલાલ, હળદર વગેરે કુદરતી રંગો છે. કેટલીક વનસ્પતિ અને ખનિજોમાંથી પણ રંગ બને છે પરંતુ કપડાં રંગવા માટે કુદરતી રંગો ઓછા પડે. વિજ્ઞાાનીઓએ કપડાં તેમજ અન્ય ચીજો રંગવા માટે કૃત્રિમ રંગો બનાવ્યા છે, આવો પ્રથમ રંગ શોધવાનું શ્રેય વિલિયમ પર્કીન નામના વિજ્ઞાનીને મળ્યું છે.
વિલિયમ હેનરી પર્કિનનો જન્મ ઈ.સ. ૧૮૩૮ના માર્ચ માસની ૧૨ તારીખે લંડનમાં થયો હતો. તેના પિતા સુથાર હતા. તેણે પ્રાથમિક અભ્યાસ સીટી ઓફ લંડન સ્કૂલમાં કરેલો. ઈ.સ. ૧૮૫૩માં તે રોયલ કોલેજ ઓફ કેમિસ્ટ્રીમાં જોડાયો.
સુપ્રસિધ્ધ વિજ્ઞાની હોફમેનના સહાયક તરીકે કામ કરતી વખતે પર્કીન મેલેરિયાની દવા શોધવાના પ્રયોગો કરતો. ઈ.સ. ૧૮૫૬માં આ પ્રયોગો દરમિયાન તેને પર્પલ રંગનું રસાયણ મળ્યું. તેને આ રસાયણમાં રસ પડયો. તેણે આ રસાયણમાંથી રેશમી કાપડને પર્પલ રંગથી રંગવાની શોધ કરી. આમ કપડા રંગવા માટે પ્રથમ ટકાઉ રંગ મળ્યો. પર્કિનની શોધ અગાઉ કપડાં પર કાયમી રંગ ચઢાવવાનું અઘરું હતું. ઈંગ્લેન્ડની મહારાણીએ પણ પર્કીનની શોધના વખાણ કર્યાં.
પર્કીને રંગ અને રસાયણો ઉપર સંશોધનો કરી ઘણા બધા કૃત્રિમ રંગો બનાવ્યા અને ફેક્ટરી સ્થાપી. આ શોધ બદલ તેને નાઈટહૂડનો ઈલકાબ મળ્યો. આ ઉપરાંત તેને રોયલ અને ડેવી મેડલો પણ એનાયત થયેલા. આજે પણ અમેરિકામાં રસાયણ ક્ષેત્રે ઊંચી કારકિર્દી બદલ પર્કીનના માનમાં પર્કિન એવોર્ડ એનાયત થાય છે. ઈ.સ. ૧૯૦૭ના જુલાઈની ૧૪ તારીખે તેનું અવસાન થયું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો