આભાર વિશાલ ગૌસ્વામી
http://www.vishalvigyan.in/?m=1
એફ.એમ. રેડિયોના શોધક એડવિન આર્મસ્ટ્રોંગ
મોટા શહેરમાં મર્યાદિત પ્રસારણ માટે એફ. રેડિયો જાણીતા છે. ટૂંકા વિસ્તારમાં રેડિયો પ્રસારણ માટેના વાઈડ બેન્ડ રેડિયો વેવ્ઝને ફ્રિક્વન્સી મોડયુલેશન એટલે ટૂંકમાં એફ.એમ. કહે છે. તેનો અવાજ સ્પષ્ટ અને ઘોંઘાટ વિનાનો ચોખ્ખો હોય છે. ઓછા વીજપ્રવાહથી પ્રસારિત કરી શકાય છે. રેડિયો સિગ્નલ ક્ષેત્રે આ આગવું સંશોધન ગણાય છે અને ઘણું ઉપયોગી થયું છે. તેનો શોધક એડવિન હોવાર્ડ આર્મસ્ટ્રોંગ હતો.
એડવિન આર્મસ્ટ્રોંગનો જન્મ ઈ.સ. ૧૮૯૦ના ડિસેમ્બરની ૧૮ તારીખે ન્યૂયોર્કના ચેલ્શીમાં થયો હતો. તેના પિતા અમેરિકાની ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રિન્ટિંગ પ્રેસમાં વડા હતા. આ પ્રેસ બાઈબલના પ્રકાશન માટે જાણીતું હતું. એડવિનને પ્રાથમિક શાળામાં દાખલ કરવામાં આવ્યો હતો. પરંતુ માનસિક બીમારીને કારણે શાળામાંથી ઉઠાડી લેવાયો અને ઘરમાં જ શિક્ષણ આપવામાં આવ્યું હતું. કિશોરાવસ્થામાં તેનું સ્વાસ્થ્ય સુધર્યું હતું. એડવિનને બાળપણમાં જ ઈલેક્ટ્રોનિક સાધનોમાં રસ હતો. કિશોરાવસ્થામાં તેણે ઘરના વરંડામાં જાતે જ રેડિયો એન્ટેના બનાવેલું.
કોલંબિયા યુનિવર્સિટીમાં ઉચ્ચ અભ્યાસ કર્યા પછી તે ત્યાં જ પ્રોફેસર તરીકે જોડાયો. ૧૯૧૭માં તે અમેરિકી સેનામાં સંદેશાવ્યવહારના કેપ્ટન તરીકે જોડાયો. સેનાની નોકરી દરમિયાન પણ રેડિયો સિગ્નલ ક્ષેત્રે ઘણાં સંશોધનો કરેલા.
એડવિને ૪૪ જેટલી નવી શોધો કરી હતી. આજના ઈલેક્ટ્રોનિક યુગમાં એડવિને કરેલી અનેક શોધો ઉપયોગી બની છે. તે પોતાની પેટન્ટો વેચીને ખૂબ નાણાં કમાયેલો. ૧૯૩૩ના ડિસેમ્બરમાં એડવિને જુદી જુદી ફ્રિક્સન્સીના રેડિયો સિગ્નલોની શોધ કરી પેટન્ટ મેળવી. ઈ.સ. ૧૯૩૭માં તેણે ૪૨.૮ મેગાહર્ટઝની ફ્રિક્વન્સીવાળા એફ.એમ. રેડિયો સ્ટેશનની સ્થાપના કરી. આ સ્ટેશન ૧૬૦ કિલોમીટરના વિસ્તારમાં સ્પષ્ટ પ્રસારણ કરી શક્યું હતું. એફ.એમ. રેડિયો ઉપરાંત એડવિને વાયરલેસ અને રેડિયો ક્ષેત્રે ૧૧ અગત્યની શોધો કરી હતી. એડવિનને તેના યોગદાન બદલ લિજીયન ઓફ ઓનર, એડિસન મેડલ, ફ્રેન્કલીન મેડલ જેવા અનેક એવોર્ડ મળેલા. ઈ.સ. ૧૯૫૪ના જાન્યુઆરીમાં તેનું અવસાન થયું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો