હેનરી મોઝેલી

આભાર વિશાલ ગૌસ્વામી 


એટમિક નંબરનો પ્રણેતા - હેનરી મોઝેલી

દરેક પદાર્થ તેના અણુભાર મુજબ ગુણધર્મો ધરાવે છે. પૃથ્વી પર અનેક ધાતુઓ સ્વરૃપે મૂળભૂત તત્ત્વો છે. હાઇડ્રોજનથી માંડીને સોના, ચાંદી જેવી ધાતુઓને તેના અણુભાર મુજબ ક્રમાનુસાર ગોઠવીને મેન્ડેલીવ નામના વિજ્ઞાનીએ આવર્ત કોષ્ટક બનાવેલું. તેને પિરિયોડિક ટેબલ પણ કહે છે. તેમાં વધુ સંશોધનો કરીને હેનરી મોઝેલીએ પદાર્થના અણુના કેન્દ્રના રહેલા પોઝિટીવ ઇલેક્ટ્રોનની સંખ્યા અને એરેબિક નંબરનો સંબંધ શોધી કાઢયો. આ શોધથી રસાયણ વિજ્ઞાનના વિકાસમાં વેગ મળ્યો. તેણે શોધેલો નિયમ મોઝેલીના નિયમ તરીકે જાણીતો છે.
મોઝેલીનો જન્મ ઇંગ્લેન્ડના વેમાઉથ શહેરમાં ઇ.સ.૧૮૮૭ના નવેમ્બરની ૨૩ તારીખે થયો હતો. તેના પિતા ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. મોઝેલીની બાળવયમાં જ તેના પિતાનું અવસાન થયું હતું. મોઝેલી અભ્યાસમાં તેજસ્વી હતો તેને કિંગ્સ સ્કોલરશીપ મળેલી. એટન કોલેજમાં ૧૯૦૬માં ફિઝિક્સનું ઇનામ મળેલું. ૧૯૦૬માં તે ઓક્સફર્ડની ટ્રિનિટી કોલેજમાં દાખલ થયો અને ગ્રેજ્યુએટ થયો. ત્યારબાદ તરત જ માંચેસ્ટર યુનિવર્સિટીમાં જાણીતા વિજ્ઞાની અર્નેસ્ટ રૃથરફોર્ડના મદદનીશ તરીકે જોડાયો. તેણે ગ્રેજ્યુએટના વિદ્યાર્થીઓને ભણાવવાનું શરૃ કર્યું. કામના બોજાને લીધે તે સંશોધનો કરી શકતો નહી. તેથી તે નોકરી છોડીને ફરી ઓક્સફર્ડમાં આવી સંશોધનો શરૃ કર્યા.
૧૯૧૨માં મોઝેલીએ ગામા કણોની ઉર્જા અંગે સંશોધનો કર્યા. એક્સ-રે સ્પેકટ્રમ વડે વિવિધ ધાતુઓનો અભ્યાસ કર્યો અને એટમિક નંબર વિશે મહત્વની શોધો કરી. ૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધમાં તેણે તમામ સંશોધનો છોડીને બ્રિટિશ સેનામાં જોડાયો. ટર્કીમાં યુદ્ધ મોરચા પર તે ટેકનિકલ ઓફિસર તરીકે સેવા આપતા હતા. ઇ.સ.૧૯૧૫ના ઓગસ્ટની ૧૦ તારીખે યુદ્ધમાં થયેલા ગોળીબારમાં અવસાન પામ્યો. માત્ર ૨૮ વર્ષની ઉંમરે જગતને મહત્વની શોધ આપીને દેશભક્તિ માટે જીવન સમર્પિત કર્યું. ૧૯૧૬માં મોઝેલીને તેના સંશોધનો બદલ નોબેલ ઇનામ મળવાની શક્યતા હતી.
સૌજન્ય :- ગુજરાત સમાચાર

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો